પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 52નાં મોત, DSPની કાર પાસે જ હતો સુસાઈડ બોમ્બ

પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં 52 લોકોનાં મોત નિપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં પોલીસના કેટલાક અધિકારીઓ પણ સામેલ છે જ્યારે અન્ય ઘણાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાની અખબાર ડોન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે જણાવ્યું છે કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર સ્થિત મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર એક જુલુસમાં ભાગ લેવા માટે એકઠા થઈ રહ્યા હતા.

ડોન અખબારે શહીદ નવાબ ગૌસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સઈદ મીરવાનીને ટાંકીને મૃત્યુની પુષ્ટિ કરી છે. સિટી સ્ટેશન હાઉસ ઓફિસર મોહમ્મદ જાવેદ લેહરીએ જણાવ્યું છે કે, વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું પણ મોત નિપજ્યું છે. વિસ્ફોટ આત્મઘાતી વિસ્ફોટ હતો જે ડીએસપી ગિસૌરીની કાર પાસે વિસ્ફોટ થયો હતો.

બલૂચિસ્તાનના વચગાળાના માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે, એક બચાવ ટીમને મસ્તુંગ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. જાન અચકઝાઈએ કહ્યું, અમારા દુશ્મનો વિદેશી મદદ સાથે બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને નષ્ટ કરવા માંગે છે.

પાકિસ્તાનના વચગાળાના ગૃહ પ્રધાન સરફરાઝ અહેમદ બુગતીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને વિસ્ફોટની નિંદા કરી છે. બુગતીએ કહ્યું કે આતંકવાદીઓનો કોઈ ધર્મ કે આસ્થા નથી અને બચાવ અભિયાન દરમિયાન તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘાયલોની સારવારમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં અને આતંકવાદી તત્વો કોઈ છૂટને પાત્ર નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top