આ તારીખથી આવશે ગુજરાતમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આ આગાહીના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ભર શિયાળે માવઠાના કારણે ગુજરાતના અનેક ભાગમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ આવશે તો સાથે જ આ અઠવાડિયે 8-10 તારીખમાં રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 8થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

ગુજરાતમાં શિયાળાની શરૂઆત બાદ નિરંતર વાતાવરણમાં પલટો આવતાં શિયાળું પાક પર સતત નુકસાનીનો ભય મંડરાયેલો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માંડ ઠંડીનો ચમકારો વધતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ શરૂ થયો હતો ત્યારે હવે ખેડૂતોની ચિંતા વધે એ પ્રકારના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થશે.

ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ 8 જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં કમોસમી વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં વરસાદની શક્યતા છે. 9મી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના છે.

આ રાજ્યોમાં વરસાદની શક્યતા

IMD અનુસાર, 5 અને 6 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યાએ કોલ્ડવેવની શક્યતા છે. તમિલનાડુમાં 4થી 8 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. કેરળમાં 4થી 6 જાન્યુઆરી દરમિયાન અને કર્ણાટકમાં 4 થી 5 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 5 થી 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top