આજે રજૂ થશે ભૂપેન્દ્ર પટેલની સરકારનું પૂર્ણ બજેટ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને બજેટથી વધુ આશા

આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. આ બજેટનું કદ 3.30 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સંબંધી સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. રાજ્યની પ્રજા માટે સરકાર તેમના ખજાનાનો ભંડાર ખોલી શકે છે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને બજેટમાં અનેક આશા અને અપેક્ષાઓ છે.

પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ટેબ્લેટથી 2024-25નું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ બજેટમાં વિકસિત ભારત @2047નો રોડમેપ હોય શકે છે. જેથી મધ્યમવર્ગીય પરિવારને બહુ મોટી આશા છે.

ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે
ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. ચર્ચાની શરૂઆત પહેલાં વિધાનસભાના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. વડોદરા બોટકાંડના મૃતકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભામાં ગૃહમાં ગુજરાત ગણોત વહીવટી અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું હતું. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top